પૃષ્ઠો

suvichar

નમસ્કાર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે "       "સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. "          "મુલાકાત બદલ આભાર"

મોજે મોજ-3

 🙏 શુભ સવાર  🙏

ૐ સૂર્ય : આદિત્યાય: નમઃ

(1)✍️  કર્મ - અમુક સારા કર્મો એવા પણ હોવા જોઈએ સાહેબ.. જેની ખબર પરમ કૃપાળુ પરમાત્મા સિવાય કોઈ ને પણ ના હોય ! !  બીજા કોઈ સાથ આપે કે ના આપે પરંતુ આપણા કર્મો આપણને હંમેશા સાથ આપે જ છે પછી એ સારા હોય કે ખરાબ ! ! માત્ર મોબાઈલ થી  સેલ્ફી ખેંચી ફેસબૂક અને  સ્ટેટ્સ માં મૂકવાથી માણસ નો પ્રભાવ નથી પડતો પરંતુ જેનો ભાવ અને સ્વભાવ સારો હોય એને પ્રભાવ પાડવા ની જરૂર રહેતી નથી.... 🙏 જય ભોલેનાથ 🙏

(2)✍️ લોકો વિચારે કે કેવા કપડાં પહેરું તો બધા થી સારો લાગુ. પરંતુ કોઈ એમ નથી વિચારતું કે કેવા કર્મ કરું તો હું પરમ કૃપાળુ પરમાત્મા  ને વહાલો લાગુ. સારુ કામ કરવાનાં બદલામાં કોઈ અપેક્ષા ન રાખો, કેમકે ભલાઈનો બદલો માણસ નહી મારો નાથ પરમ કૃપાળુ પરમાત્મા જરૂર થી આપે છે... 🙏

(3)✍️ જે પરિવાર માં દુઃખ વહેંચવાની હરીફાઈ ચાલતી હોય ને સાહેબ.. ત્યાં ખુદ પરમ કૃપાળુ પરમાત્મા  પણ સુખ ની લાણી કરવા નીકળે છે. જયારે પરમાત્મા અને સંત નો રાજીપો થાય તો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂડા થાય છે. નીતિ, નિયમ અને ભક્તિ સાચી હસે તો અખિલ બ્રહ્માંડ નો ધણી પરમ કૃપાળુ પરમાત્મા તમારું જીવનમાં ક્યારેય ખોટું નહિ થવા દે.... 🙏

(4)✍️ તમે રોજ પૂજા કરો તો સારી વાત છે. પરંતુ વિવેક પૂર્ણ જીવવું ગણેશ પૂજા છે. પ્રકાશ માં જીવવું સૂર્ય પૂજા છે. વિશાળ દ્રષ્ટિ રાખી જીવવું એ વિષ્ણું પૂજા છે. શ્રદ્ધા પૂર્વક જીવવું એ દુર્ગા પૂજા છે. અને બીજાનું કલ્યાણ થાય તે રીતે જીવવું એ રુદ્રાભિષેક છે. કોઈ ગરીબ બાળકની આંતરડી ઠારશો તો મારો પરમ કૃપાળુ પરમાત્મા ખુબ રાજી થશે....🙏 

(5)✍️  બીજાના દુઃખે દુઃખી થવું સહેલું છે. પણ બીજાના સુખે સુખી થવું ખૂબ અઘરું છે. માણસ ઉપર આફત આવે છતાં પોતાનો ધર્મ ન ભૂલે અને માણસાઈ છોડે નહી એવા માણસો પુષ્ક્ળ છે. પરંતુ જેના ઉપર ખૂબ સુખ વરસે ત્યારે પોતાનો ધર્મ ન છોડે અને માણસાઈ છોડે નહી તેવા માણસો ખૂબ  ઓછા છે. કારણ કે સંપત્તિ મળ્યા પછી સજ્જનતા ટકાવી રાખવી ખૂબ દુર્લભ છે. કેમકે પદ, પૈસા અને પ્રતિષ્ઠા માણસને સજ્જન માંથી શેતાન બનાવી શકે છે... 🙏

 (6)✍️ શરીર ને સ્વસ્થ એટલે કે પવિત્ર કરવાથી મંદિર માં પ્રવેશ મળે છે, પરંતુ મનને પવિત્ર કરવાથી પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ ની મૂર્તિ માં પ્રવેશ મળે છે. " મન એ ઈશ્વર ની વિભૂતિ છે. તેની ઉપર ધૂળ ચઢી જાય છે, ત્યારે તે મલિન બની જાય છે...સંત કૃપા......🙏

(7)✍️ જ્યાં કોઈના પુણ્ય ને જુઓ રાજી થાઓ. કોઈનું સત્કાર્ય જુઓ, પ્રભુ ભજન જુઓ કોઈ નિસ્વાર્થ સેવા જુઓ તો જરૂર રાજી થાઓ કે આ માણસ કેટલો ભાગ્યશાળી છે !જે આવા સત્કર્મ કરે છે તે બદલ રાજીપો વ્યક્ત કરો.ઈર્ષા ભાવ બિલકુલ ના કરો.  પરમ કૃપાળુ પરમાત્મા તમારા ઉપર રાજી થાશે.... 

 (8)✍️  જીવનમાં જે સત્ય છે, જીવનમાં જે શુભ છેએનું દર્શન કરવું તે સતદર્શન છે. કોઈ માણસમાં લાખ અવગુણ હોય અને એક જ સદગુણ હોય તો એના સદગુણ ને જોઈ લેવો અને અવગુણ તરફ નજર પણ ન કરવી એનું નામ સતદર્શન છે... સંત કૃપા 

(9)✍️ ભગવાન રામ વનવાસ માં અસંખ્ય દુઃખો વેઠીને જગત ને સંદેશ આપવા માગે છે કે ઈશ્વર ઉપર પણ  દુઃખ પડે છે માટે દરેક માણસે સુખ સાથે દુઃખ નો પણ સ્વીકાર કરવો જોઈએ. તુલસીદાસજી કહે છે કે દુઃખ ના સમયે માનવીએ ધીરજ, ધર્મ, વિવેક, સારુ સાહિત્ય, ભક્તિ અને ભરોસો આ છ તત્ત્વ નો સાથ ન છોડવો જોઈએ. આ છ તત્ત્વ સાથે હશે તો ગમે તેવા તોફાન વચ્ચે પણ માનવીની જીવનનૌકા પાર ઉતરી જશે....... સંત કૃપા ...🙏

(10)✍️ જીભ થી કોઈ ની નિંદા અને જીવ થી કોઈની ઈર્ષા કરવી નહી. માણસે દિવસે નિંદા થી અને રાત્રે નિદ્રા થી દૂર રહેવું એ ભક્તિ માર્ગ નો સરળ રસ્તો છે. માણસ જયારે નિંદા અને ઈર્ષ્યા થી દૂર રહેશે ત્યારે તેનામાં સદગુણો પૂર્ણ પણે ખીલે છે."વ્યક્તિ ના જીવનમાં સુખ અને શાંતિ બંને પ્રાપ્ત થાય છે... 🙏

(11)✍️ જીવનમાં દરરોજ જેટલો થઇ શકે તેટલો માનસ અને ગીતા નો પાઠ કરવો. ભારત ના ત્રણ મહાગ્રથો માં મહાભારત  નીતિનો ગ્રથ છે. ભાગવત ગીતા પ્રીતિ નો ગ્રંથ છે. જયારે રામાયણ નીતિ અને પ્રીતિ બંને નો ગ્રંથ છે. ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને સંબોધી ને વિશ્વ ને શ્રીમદ્દ ભગવત ગીતા જેવા અમૂલ્ય ગ્રંથ આપ્યો જે હિંદુ ધર્મ ની આધ્યાત્મિક ઉંચાઈ અને ઉંડાઇ નો પરિચય કરાવે છે. ...🙏

(12)✍️ અન્ન, જળ, વસ્ત્ર,ઔષધી આ  ચાર પ્રકાર ની સેવા માટે પાત્ર, કુપાત્ર ક્યારેય નથી જોવાતું.  અન્ન ની સેવામાં પાત્ર, કુપાત્ર ન જુઓ. અન્ન ની સેવા ને તો ગોસ્વામી તુલસીદાસજી એ દાન પણ નથી કહ્યું. તેમણે  તો અન્ન ને પ્રાણ, જીવન છે. અન્ન ને બ્રહ્મ કહ્યો છે. કોઈ ભૂખ્યાને અન્ન આપવાનું થાય ત્યારે પાત્ર, કૃપાત્ર નો વિચાર ન થાય. એની જરૂરીયાત જ એની પાત્રતા છે.આમ આ  ચાર સેવા માં પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ  ની સેવા આવી જાય છે... 🙏

(13)✍️ સૌથી શ્રેષ્ઠ સત્ય શું ? 

      પરમ કૃપાળુ પરમાત્મા એ કહ્યું છે -તમામ જીવો માં પરમાત્માનું દર્શન કરવું એ સૌથી મોટુ સત્ય છે. જીવ માત્ર ઈશ્વર નો અંશ છે. એ અંશ માં ભગવાન દ્વારકાધીશ  ના દર્શન કરો કેમકે પરમાત્મા એકજ સત્ય છે એ જ નિત્ય છે બાકી બધું અનિત્ય છે જે નિત્ય છે તે જ સત્ય છે માટે સત્યમ નો સાથ લઇ શિવમ ને પામો....🙏

(14)✍️  માણસે ભૌતિક એવી તમામ વસ્તુ છોડવી, પણ ત્રણ વસ્તુ ક્યારેય ન છોડાવી અને એ અગત્યની ત્રણ વસ્તુ યજ્ઞ, દાન અને તપ છે. કારણ કે માણસને બુદ્ધિ કરતા વિશુદ્ધિની વધારે જરૂર છે. જીવ ને સાચી વિશુદ્ધિ યજ્ઞ, દાન, અને તપ દ્વારા જ મળે છે. યાદ રાખજો યજ્ઞ કરનાર યાજ્ઞિક ક્યારેય લોભી ન હોય, દાન કરનાર દાતા ક્યારેય અભિમાની ન હોય અને તપ કરનાર તપસ્વી ક્યારેય તામસી ન હોય. કોઈ યાજ્ઞિક કૃપણ જોવા મળે, દાતા અહંકારી જોવા મળે અને તપસ્વી  તામસી પ્રકૃતિ નો જોવા મળે તો જાણવું કે એમના જીવનમાં જે જોવા મળે છે તે યજ્ઞ, દાન અને તપ માં જરૂર કંઈક કસર હશે....સંત કૃપા. ..🙏

 (15)✍️ સ્મરણ :- પરમ કૃપાળુ પરમાત્મા નું સ્મરણ પણ આપણી શોભા છે. આપણી સુરક્ષા પણ છે.રામ નામ નું  સ્મરણ કરનાર સુંદર હોય છે. જેને હરિ ને ભજ્યા છે તેમનુ જીવન ખુબ સુંદર હોય છે. સંત -ફકીરો ને જુવો તેમની પોતાની એક ખૂબસૂરતિ હોય છે,તેમની તેજસ્વીતા હોય છે. પ્રભુ સ્મરણ આપણને રમ્ય બનાવી દે છે. તે જીવ ને શિવ સુધી લઇ જાય છે....🙏 

(16)✍️સત્સંગમાંથી પાંચ તત્વો ની પ્રસાદી મળે છે. સુબુદ્ધિ, પ્રગતિ, કીર્તિ, ઐશ્વર્ય અને ભલાઈ. આ પાંચ તત્વો નું પંચામૃત સત્સંગની પ્રસાદી છે. સારા માણસ ની સોબત હશે તો સત્સંગ થશે. એમ ન થાય તો સારા પુસ્તકો  નું વાંચન પણ સત્સંગ આપશે. સત એટલે સત્ય અને સંગ એટલે સાથે રહેવું. સત્ય ની સાથે રહેશો, હૃદય માં પ્રેમ અને કરુણા રાખી ને રહેશો એટલે સત્સંગ થયો ગણાશે. સત્સંગની કુખેથી વિવેક નો જન્મ થાય છે.જે પરિવાર વિવેકી હશે તે પરિવાર સો ટકા પ્રસન્ન હશે.આનંદમય હશે. તમે જેટલાં આનંદ માં તેટલો પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ તમારી નજીક રહેશે....🙏

  (17)✍️દરરોજ મિષ્ટાન્ન એટલે દરરોજ લાડુ, દૂધપાક, લાપસી, શીરો કે શીખંડ જમવાની વાત નથી. દરરોજ મિષ્ટાન્ન ભાવે પણ નહિ પરંતુ ભલે સૂકો રોટલો અને છાશ જમતા હોય પણ પૂરો પરિવાર સાથે બેસીને મીઠી વાતો કરતા કરતા જમે તો સૂકો રોટલો પણ મિષ્ટાન્ન નો સ્વાદ આપશે. બાકી ઝગડો કરતા કરતા મિષ્ટાન્ન જમશો તો પણ જમવામાં જરા પણ આનંદ આવશે નહી....🙏 

(18)✍️દરેક પરિવાર માં પણ એક મહાદેવ  હોય છે. જે ઝેર ના ઘૂટડા પી લે છે અને એના લીધેજ પરિવાર નો વિનાશ અટકે છે. પરિવાર ના આ મહાદેવ પછી પતિ, પત્ની, દાદા, દાદી, માતા, પિતા, ભાઈ, બહેન, દીકરો, દીકરી કે વહુ ના રૂપ માં હોઈ શકે છે ! !  જે પરમ કૃપાળુ પરમાત્મા ની કૃપા માં સાચોસાચ વિશ્વાસ મૂકે છે તેને માટે તે કૃપા અનંત માટે વહેતી રહે છે.જેમ ઘરનું ફળિયું ચોખ્ખું હોય તો મહેમાન ને આવવાનું મન થાય ! એમ આપણું મન ચોખ્ખું હોય તો ભગવાન ભોળાનાથ ને આવવાનું મન થાય !! આપ સૌની ઉપર મહાદેવ ની કૃપા સદા બની રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના....🙏 

(19)✍️ માણસે કેવા બનવું જોઈએ ? 

સદા શુચિ: -નિત્ય (હરહંમેશ) પવિત્ર 

નિત્ય પવિત્ર, આંતર-બાહ્યથી  હંમેશા પવિત્રતા. આ બહુ કઠિન છે. મન અને તન થી હંમેશા પવિત્ર રહેવું ખૂબ કઠિન છે. તમને જોઈને કોઈ અપવિત્ર વિચાર ન કરે, તમારી આસપાસ બીજાના મનમાં કોઈજ કુભાવ પ્રગટ ન થાય, જ્યાં સુધી તમે હો ત્યાં સુધી તેનું મન તાજું રહે, સ્વસ્થ રહી શકે. આ જ પ્રમાણ છે નિત્ય પવિત્રતાનું...... મનમાં પવિત્રતા અને પાયા માં નીતિ હશે તો જીવન પરીક્ષા આવી શકે પરંતુ સમસ્યા તો નહિ જ આવે. જ્યાં સુધી કોઈપણ કાર્ય માં તમારો ભાવ "નિર્દોષ " છે નિત્ય પવિત્રતા છે ત્યાં સુધી પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ તમારી સાથે જ છે.....🙏

(20)✍️સંસારમાં રહેલા લોકો માટે ભગવાન મનુએ બહુ જરૂરી વાતો કહી છે. સદાચાર,શ્રદ્ધા અને નિંદાથી મુક્તિ. આ ત્રણ જો માણસ માં આવી જાય તો તે સો વર્ષ આનંદ પૂર્વક જીવશે. એક તો જીવમાં સદાચાર આવી જાય. બીજું શ્રદ્ધા આવી જાય અને ત્રીજું કોઈની નિંદા ન કરે તો સો વર્ષ જીવવામાં કોઈ તકલીફ નથી.એટલે કે પરમ કૃપાળુ પરમાત્મા એ જે જીવન આપેલ છે તેને આનંદ થી સફળ કરી શકે છે. જન્મ અને મૃત્યુ વિધિ ને હાથ છે, પરંતુ જીવન કેવી રીતે જીવવું એ માણસ ના પોતાના હાથની વાત છે.... 🙏 

(21)✍️ સુંદરમ. -પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ ને સુંદર ગમે છે. તેનો અર્થ અસુંદર ન ગમે એવો નહિ. સુંદર એટલે મન, ચિત્ત, વિચાર, દ્રષ્ટિ, આચાર, ઉચાર સુંદર હોવા જોઈએ. આ સુંદરતા મારા પ્રભુ ને ખુબ ગમે છે. પરમાત્મા ને આનંદીત રાખવો હોય તો આપણે બાહ્ય રીતે ભલે સુંદર ન હોઈએ પણ ભીતર ની સુંદરતા હોવી જોઈએ.સાધુ ઉંમરલાયક થાય તો તેના શરીર પર કરચલીઓ આવશે, પણ ચિત્તમાં કરચલીઓ નહિ આવે.તમે ઈશ્વર, અલ્લાહ, નાનક, જિસસ, મહાવીર કે બુદ્ધ ગમે તે તત્ત્વ ને ભજતા હોઈએ  પણ તમે આત્મ કલ્યાણ અને સર્વ કલ્યાણ ની કામના કરતા હોય તો સુંદર આચરણ કરો પરમ કૃપાળુ પરમાત્મા ખુબ પ્રસન્ન રહેશે.ઈશ્વરે આપણને સરસ મજાનું જીવન આપ્યું હોય તો સુંદર મંગલ ની સ્થાપના કરીએ અને અમંગલ નો નાશ કરીએ.........🙏

(22)✍️ સેવાધર્મ - સેવા અને ભજન બંને સમાન છે. સાચા અર્થ માં સેવા કરવી એ ઉત્તમ પ્રકાર નું ભજન છે. સેવાનો એક્દમ ટૂંક માં અર્થ કરીએ તો પરમ કૃપાળુ પરમાત્મા એ આપણને જે ક્ષમતા ( યથા શક્તિ ) આપી છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તેનાથી મોટી કોઈ સેવા નથી. જેના પાસે ધન હોય તે સામર્થ્ય અનુસાર સેવા કરે. ધન ન હોય તો તન થી સેવા કરે. સેવાધર્મ કઠિન છે, એ સેવા ધર્મ ની બે દ્રષ્ટિ પરમાત્મા એ આપી છે. એક સ્વાર્થ છોડી ને કરેલી સેવા. બીજી આજ્ઞા થી કરેલી સેવા,  આ સેવા ઉત્તમ છે. સેવા વિશ્વાસથી, પવિત્રતાથી, સેવાપરાયણ સ્વભાવથી, સંયમ પૂર્વક, મર્યાદાથી કરવામાં આવેલી સેવા થી પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ ખૂબ રાજી થાય છે......... 🙏

(23)✍️ જીવન રથના બે પૈડાં છે. એક વિશ્વાસ અને બીજો વિચાર.... વિવેક(વિશ્વાસ ) સાથે વિચાર નું પૈંડુ જોડાયેલ છે તેનું જીવન ખૂબ સુંદર બંને છે. શ્રીમદ્દ ભાગવતમાં લખેલ છે કે વિશ્વાસ નો માર્ગ એવો છે જેમાં આંખ બંધ કરીને ચાલીએ તો પણ પડશું નહી.એક માત્ર જરૂરી બાબત છે -ભરોસો. ભલે જપ ઓછા કરો, સત્કર્મ ઓછા કરો, યોગાભ્યાસ ઓછો કરો, પૂજા પાઠ ઓછા કરો, માનસ તથા ગીતા ના પાઠ ઓછા કરો કોઈ ચિંતા નહી. ચિંતા તો ત્યારે થાય જયારે આપણામાં વિશ્વાસ ઓછો થઇ જાય. મૂળ માં વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસનું ચરણ ડગી જાય તો ભક્તિ હારી જાય છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ નો જન્મ વિશ્વાસમાંથી થાય છે. અંગદ વિચાર છે. હનુમાનજી વિશ્વાસ છે.કોઈપણ કાર્ય માં તમારો નિર્દોષ ભાવ છે અને પૂર્ણ વિશ્વાસ થી કરવામાં આવે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા તમારી સાથે જ હોય છે. જે ભગવાન ની કૃપા માં સાચો સાચ વિશ્વાસ મૂકે છે તેને માટે તે કૃપા અનંત વહેતી રહે છે. વિશ્વાસ રાખજો સાહેબ ભગવાન બીજો દરવાજો ખોલ્યા વગર પહેલો દરવાજો ક્યારેય બંધ નથી કરતો......🙏

(24)✍️જ્યાં કૃપા હોય છે, તે જગ્યા તીર્થ છે, પ્રયાગ છે.....ભગવાન ની કૃપા તો નિર્દોષ દીકરી છે એ આપણી પાસે દરરોજ આવે છે પણ આપણા ઘર માં વ્યભિચાર, તકરાર  અનીતિ, કુસંગ, કુકર્મ  જોઈને પાછી ફરી જાય છે. આપણું જીવન અને ભક્તિ વ્યભિચાર અને આડંબર થી ભરેલી છે. આપણી અનુકૂળતા મુજબ ન થાય તો કૃપા નથી એમ આપણે સમજી બેઠા શીએ. જીવનમાં જે કાંઈ થાય છે તે ભગવાન ની જ કૃપા હોય છે. દરેક પરિસ્થિતિ માં પરમ કૃપાળુ પરમાત્મા ની કૃપા જ હોય છે એવું જે સમજી જશે તેને જીવનમાં કદી સંતાપ નહી આવે.જીવનમાં નીતિ, નિયમ અને ભક્તિ સાચી હશે તો પરમ કૃપાળુ પરમાત્મા આપણું જીવનમાં ક્યારેય ખોટું નહિ થવા દે.આટલો સુંદર  મનુષ્ય દેહ આપણને સહુને મળ્યો છે એનાથી મોટી બીજી કૃપા કઈ હોય? .... 🙏

(25)✍️" સુખ ક્યારે રૂડું લાગે ? એની બાજુમાં શાંતિ બેઠી હોય તો. ડાબી બાજુ એ શાંતિ બેઠી હોય તોજ સુખ સુંદર લાગે નહિતર બધા સુખ સંતાપ લાગે " શાંતિ આપણો જન્મજાત સ્વભાવ છે. શાંતિ વગરનો સુખ રૂપી રામ રૂડો, રૂપાળો નથી લાગતો. અશાંતિ તો આપણે પોતે જ ઉભી કરી છે. તન ને પોષણ અને મન ને સંતોષ થી ભરી દે તેજ ખરી શાંતિ છે. પરમ કૃપાળુ પરમાત્મા એ આપણને જન્મની સાથે જ શાંતિ આપી દીધી છે પરંતુ આપણે જાતે જ અશાંતિ ઉભી કરીએ છીએ. આપણા શાંત સ્વરૂપ ને મુશ્કેલી માં મૂકનારુ તત્ત્વ છે અમુક પ્રકાર ના મોહો.. અહંકાર.. કામના.. મારું -તારું ની ભાવના.. ભાગવત ગીતા માં  ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે જે પુરુષ સંપૂર્ણ કામનાઓ ત્યાગીને, મમતા રહીત, અહંકાર રહિત અને સ્પૂહારહિત થઇ ફરે છે તે જ શાંતિ ને પ્રાપ્ત થાય છે..........🙏

(26)✍️ સુખ-શાંતિ નો પરિવાર 

               જીવનનું ગણિત જ્યાં સાચું હશે, ત્યાં જ સત્યના એક પુત્રનો જન્મ થાય છે. સત્યના પુત્ર નું નામ છે અભય, નિર્ભયતા. જ્યાં પણ સત્ય હશે ત્યાં નિર્ભયતા હશે.પછી આ કુળ પરંપરા ચાલે છે. જ્યાં પણ અભય હોય છે ત્યાં અભય ની પુત્રી શાંતિ હોય જ. આપણે ભયભીત છીએ એટલે અશાંત છીએ. અને પ્રેમ ના પુત્ર નું નામ છે ત્યાગ. જ્યાં પણ પ્રેમ હશે ત્યાં ત્યાગ આવશે જ. બીજું જ્યાં કરુણા હશે ત્યાં અહિંસા આવશે કેમ કે કરુણા થી અહીંસારૂપી કન્યા પ્રગટે છે. માટે જીવનમાં સત્ય, પ્રેમ અને કરુણા રૂપી તત્ત્વ આવી જાય તો સદા ને માટે સુખ -શાંતિ મળે છે અને આઠે પહોર આનંદ રહે છે. આનંદ એ પરમ કૃપાળુ પરમાત્મા નું નિજ સ્વરૂપ છે..... 🙏 

(27)✍️ " જ્યાં ભક્તિ અને પ્રેમ હોય ત્યાં કાયમ સુખ જ હોય " 

        આપણે સુખ સ્વરૂપ છીએ છતાંય  દુઃખી થઈએ છીએ, એનું કારણ છે આપણી ઈર્ષ્યા અને દ્વેષ. બીજું લોભ પ્રકૃતિ. લોભ ને કારણે આપણા મનમાં આવતી લુચ્ચાઈ, અને ત્રીજું કારણ જેનો રોટલો ખાતા હોઈએ એને દગો દેવાની વૃત્તિ. પરમ કૃપાળુ પરમાત્મા આપણા હૃદયમાં પરમતત્ત્વ રૂપે બિરાજમાન છે થોડીક મૂઢતા અને અહંકાર મૂકીએ તો આપણા જીવનમાં સુંદર રજવાડું પ્રગટે. ગમે તેવી પરિસ્થિતિને વિવેક થી સળવી કરવાનાં પ્રયત્ન કરો તો દુઃખ રહેશે નહી. સુખ તો આપણો સ્વભાવ છે. આનંદ આપણો સ્વભાવ છે. પ્રત્યેક વ્યક્તિના સુખનું મૂળ એ છે કે જીવનમાં પ્રામાણિકતા હોય, સત્ય હોય તે જ સુખ છે બાકી બધી સુવિધા છે જેમકે ઘરમાં ફ્રીઝ છે તો તે સુખ નથી પણ સુવિધા છે. જયારે માણસને પોતાના સ્વરૂપની સ્મૃતિ થઇ જાય, તો પછી દુઃખ સમાપ્ત થઇ જાય છે.......🙏

(28)🙏 હેપ્પી મકરસંક્રાંતિ 🙏

આશા ના આકાશમાં વિશ્વાસ નો દોર વધે આપની સફળતા નો પતંગ સદા નવા મુક્કામ પ્રાપ્ત કરે તેવી આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભકામના..

          પહેલાના સમયમાં ઉત્તરાયણ ( મકરસંક્રાતિ ) ના દિવસે વ્રત -નિયમ લેતા અને આખુ વર્ષ એ નિયમ -વ્રતનું  પાલન કરતા.આ વ્રત -નિયમ થી જીવનમાં દ્રઢતા આવતી. આનું તાતપર્ય એ હતુ કે જીવનમાં સદગુણો ના આચરણ થી આદર્શ, નીતિમત્તા, ચારિત્રવાન, પ્રામાણિકતા ના ગુણો ખીલતા અને પ્રસન્નતા આવતી.ખુશી -આનંદ -પ્રસન્નતા નો જન્મ ઉચ્ચ વિચાર તેમજ પરોપકારી કાર્યો  કરવાથી થાય છે. અત્યારે યંત્ર યુગ માં આ પ્રથા લુપ્ત થઇ ગઈ જેનાથી માનવી ઈર્ષાળુ, લોભી,કામી,  ક્રોધી, ચિંતાતુર, સ્વાર્થી વ્યસની બનતો ગયો દિન -પ્રતિ દિન મુશ્કેલીઓ વધતી ગઈ.અને જીવન સંઘર્ષમય થઇ ગયું....... 🙏

(29)✍️ 'સંતોષી નર સદા સુખી '

          પરમ કૃપાળુ પરમાત્મા એ જે સ્થિતિમાં આપણું નિર્માણ કર્યું છે, એ સ્થિતિમાં જ સંતોષ પામવો જોઇએ અને  આનંદ પૂર્વક પોતાનું જીવન પસાર કરવું જોઈએ. જેમને સંતોષ નથી હોતો તેમણે ગમે તેટલું ભૌતિક સુખ મળે છતાં તે સુખી નથી થતા. પોતાની પાસે અમુક વસ્તુ નથી એના વિચારે તેઓ દુઃખી થાય છે, એટલે કે જે 'છે ' તેનાથી આનંદ પામવાને બદલે જે ' નથી 'એની ચિંતા માં દુઃખી થાય છે. મનુષ્ય દેહ આ કર્મ નું ફળ નથી. પણ ક્યારેક ઈશ્વર ને કરુણા કરવાની મોજ આવે છે અને એ કરુણા કરી દે છે એમાં મનુષ્ય દેહ મળે છે. આપણો દેહ ઈશ્વર નું ભવન છે.આ ભવનમાં સંતોષ અને મર્યાદા આવી જાય છે ત્યારે જીવનની  સંપૂર્ણ ખુશીઓ પરમ કૃપાળુ પરમાત્મા આપણી ઝોળીમાં નાખી દે છે....🙏  

(30)✍️ પરમ કૃપાળુ પરમાત્માએ  દરેક મનુષ્ય  ને એક જ માટી માંથી બનાવ્યા  છે બસ ફર્ક માત્ર એટલો જ છે કે માણસ તેના કર્મ અને નીતિથી ઓળખાય છે.  રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે. જેના સિદ્ધાંતમાં જ પ્રામાણિકતા અને પરોપકારી ભાવના હોય સાહેબ.... તેમનું ચારિત્ર્ય જીવનમાં ક્યારેય ગરીબ નથી હોતું. જે મનુષ્ય રાત -દિવસ, સૂતાં, જાગતા, બોલતા, ચાલતા અને ઉભા રહેતા સતત પરમ કૃપાળુ પરમાત્મા નું અધ્યયન, મનન કરે છે  તે પાપરહિત થઈને પરમ પદને પામે છે... 🙏

(31)" સમદર્શન "

સમદર્શન એટલે જગતની તમામ વ્યક્તિનું સમાન ભાવથી દર્શન કરવું અને જે માણસ આ પ્રકારનું દર્શન કરી શકે તે સાચા અર્થમાં અજાતશત્રુ બની શકશે.જીવનમાં બે પ્રકારના માણસો મળે, એક સુખ આપે અને બીજા દુઃખ આપે. બુદ્ધિ પરોપકાર માટે વપરાય તો સુખ આપે અને ઉપદ્રવ માટે વપરાય તો દુઃખ. દરેક મનુષ્યમાં એક સરખી જ ઉર્જા વહે છે એવા ભાવથી જગતને જોઈ શકાય તો એ સમદર્શન છે.   પરમ કૃપાળુ પરમાત્મા એ કહ્યું છે કે આ સૃષ્ટિ ના તમામ જીવો માં પરમ ચૈતન્ય તત્ત્વ નું  દર્શન કરવું એ સૌથી મોટુ સત્ય છે. જીવ માત્ર ઈશ્વર નો અંશ છે. એ અંશ માં ભગવાન દ્વારકાધીશ  ના દર્શન કરો કેમકે પરમાત્મા એક જ સત્ય છે એ જ નિત્ય છે બાકી બધું અનિત્ય છે જે નિત્ય છે તે જ સત્ય છે પ્રકૃતિ ના સાનિધ્ય માં રહીને દરેક જીવમાં સમદર્શન કરો.....🙏 

(32)✍️ હરખ અને પ્રસન્નતા 

'      'પ્રસન્ન ચિતે પરમાત્મ દર્શનમ '

   હરખાવું એ પ્રસન્નતા નથી. પ્રસન્ન થવું અને હરખાવું એમાં બહુ અંતર છે. આપણને લાભ થાય અને આપણે જે ખુશી અનુભવીએ એ હરખ કહેવાય. જયારે બીજાને લાભ થાય અને આપણને જે ખુશી થાય એને પ્રસન્નતા કહેવાય.આ  પ્રસન્નતા એ પરમ કૃપાળુ પરમાત્મા નું દ્વાર છે. પરમાત્મામાં પ્રવેશ વાનું મુખ્ય દ્વાર છે.ભગવાન નો ભક્ત, ભજન કરનાર અને સેવા કરનાર હરખાય નહી એ તો કાયમ પ્રસન્ન જ રહે. આ પ્રસન્નતા એ જ આનંદ... ઈશ્વર આનંદ સ્વરૂપ છે તેથી જ્યાં પણ આનંદ પ્રાપ્ત થાય તેમાં પરમ કૃપાળુ પરમાત્મા ના દર્શન કરો.... 🙏

(33)✍️ પ્રામાણિકતા અત્યંત કિંમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસે તેની આશા રાખશો નહી. સજ્જન વ્યક્તિ સાથેની મિત્રતા શેરડી સમાન હોય છે. આપણે તેને ગમે તેટલી નીચોવી લઈએ તેમાંથી માત્ર મીઠાશ જ નીકળતી રહે છે. પાણી તો દરેકને એક જેવું જ અપાય છે. છતાં શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી, કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે. એનું કારણ પાણી નહિ પણ બીજ છે આપણે આપણા મનમાં જેવા વિચારો નું વાવેતર કરશું એવું જ ઉગશે. સારુ કામ કરવાનાં બદલામાં કોઈ અપેક્ષા ન રાખો. કેમકે ભલાઈ નો બદલો માણસ નહી પણ ભગવાન આપે જ છે.જીવન જેટલું જીવાય એટલું પ્રામાણિકતા અને ભલાઈ થી જીવો.....🙏 

(34)✍️ઉદાસીનતા એક માનસિક રોગ છે એનાથી છુટવું જ જોઈએ. જો આમાંથી નહિ છૂટો તો તમારું જીવન વ્યર્થ થઇ જશે. ઉદાસ વ્યક્તિ પ્રતિષ્ઠા મળે એવી નોકરી કે ધધો કરી શક્તી નથી. તે દુઃખમાં દિવસો પસાર કરે છે. અને હીણ પદ ની લાગણી અનુભવે છે. જે વ્યક્તિ આળસુ અને મૂર્ખ વ્યક્તિઓની આસપાસ રહે છે તેને નોકરી કે  કોઈ ધધો સૂઝતો નથી. આવી વ્યક્તિ માં કોઈ મહત્વકાંક્ષા હોતી નથી અને થોડી ઘણી હોય છે તો તે પણ આસપાસ ના વાતાવરણ થી ગુમાવી બેસે છે. તેને ઉજાશ દેખાતો નથી તે ચોમેર અંધકાર નો જ અનુભવ કરે છે. માણસે ઉદાસીનતા અને આળસ ને  ખંખેરી ને પોતાના હૃદય માં આશા અને ઉત્સાહ ભરીને  નોકરી કે કામ ધધો પ્રામાણિકતા થી કરવાથી પરમ કૃપાળુ પરમાત્મા ખુબ રાજી થાય છે...... 🙏

(35)✍️આચરણ :-પરમ કૃપાળુ પરમાત્મા ને શુદ્ધ આચરણનું પાલન કરતો જીવ અતિ વહાલો હોય છે. બીજા ગમે તે કરે આપણે આપણું આચરણ - કેમ બોલવું, કેમ જોવું, કેમ કામ કરવું વગેરે શુદ્ધ રાખવું જોઈએ. બાહ્ય આચરણ અને અંદરનું આચરણ અલગ એવું ન ચાલે. વિષ સોનાના પાત્ર માં ન જ ભરાય.અહંકાર, કામના, કપટ, દુર્ભાવ, ઈર્ષ્યા, દ્વેષ, લોભ, ક્રોધ, અનીતિ,  હિંસા, વ્યભિચાર, કુસંગ, કુકર્મ  વગેરે શરીર  રૂપી સોના ના પાત્ર માં ન ભરવા જોઈએ. આચાર અને વિચાર બંને શુદ્ધ હોવા જોઈએ. કિડની આપવી સહેલી છે પણ કપટ છોડવું અઘરું છે. માણસ ચતુર અને હોશિયાર હોય એ પૂરતું નથી. તે સમજદાર તેમજ સાધુ હોવો જોઈએ. મિલકત નો વિસ્તાર ભલે કરો સાથે સાથે આચરણ માં રહી '' પુણ્ય '' ની કમાણી જરૂર કરજો. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી  દ્વારકાધીશ ની બેંક માં રૂપિયા નથી ચાલતા ત્યાં " આચરણ રૂપી પુણ્ય " નું ચલણ છે..... 🙏 

(36)✍️ભક્તિ યોગ -પરમ કૃપાળુ પરમાત્મા શ્રી ભગવાન દ્વારકાધીશ કહે છે  કે " મારા માં એકાગ્ર ચિત્ત થઇ જે ભક્ત પરમ શ્રદ્ધા થી મને ઉપાસે છે તેનો હું ઉદ્ધાર કરું છું. જે મારો ભક્ત હર્ષ, દ્વેષ, શોક કે ઉદ્વેગ કરતો નથી, સુખ-દુઃખ ને સમાન માનનારા, ભય, મમતારહિત, નિરહંકારી, સંતોષી, યોગ માં તત્પર અને મારામાં દ્રઢ નીચય વાળો મારો ભક્ત મને પ્રિય છે. બહાર  અને અંદર થી પવિત્ર, દક્ષ, પક્ષપાત વગરનો વ્યથારહિત અને સર્વ આરંભોનો ત્યાગ કરનારો ભક્ત મને વહાલો છે. જે શ્રદ્ધાપૂર્વક મારામાં જ પરાયણ થઇ ધર્મમય અમૃત ને સેવે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે.. 🙏 

(37)પુણ્ય :- ખરેખર તો પુણ્ય તેને કહેવાય જેમાં કોઈ દીન -દુઃખી -લાચાર માણસની આંતરડીને ઠારવામાં આવે. કોઈને સુખી કરવા, લોકો કે જીવ -જંતુ ઓના દુઃખો દૂર કરવા કે હળવા કરવા તે પુણ્ય છે. વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે માનવતાના સુખ માટે, હિત માટે પ્રયત્નો કરવા તેનું નામ પુણ્ય છે. જેનાથી આત્માનું, સમાજનું કે માનવતાનું કશું જ કલ્યાણ ન થતું હોય તેવું કઠોર તપ કે કઠોર વ્રત એ પુણ્ય નથી. પુણ્ય નો એક્દમ ટૂંક માં અર્થ કરીએ તો પરમ કૃપાળુ પરમાત્મા એ આપણને જે ક્ષમતા ( યથા શક્તિ ) આપી છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તેનાથી મોટુ  કોઈ પુણ્ય નથી . જેના પાસે ધન હોય તે સામર્થ્ય અનુસાર સેવા કરી પુણ્ય કમાય. ધન ન હોય તો તન થી પુણ્ય કરે. પુણ્ય ધર્મ કઠિન છે, એ પુણ્ય ધર્મ ની બે દ્રષ્ટિ પરમાત્મા એ આપી છે. એક સ્વાર્થ છોડી ને કરેલી પુણ્ય . બીજી આજ્ઞા થી કરેલી પુણ્ય ,  આ પુણ્ય  ઉત્તમ છે. પુણ્ય... 🙏

(38)✍️કર્મયોગ :-પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી દ્વારકાધીશ કહે છે કે કર્મયોગ કલ્યાણ કરનાર છે. જે માનવી બધા કર્મ ભગવાન ને અર્પણ કરી આસક્તિ છોડીને નિષ્કામ ભાવથી કર્મો કરે છે" હું કંઈ જ કરતો નથી " હું તો માત્ર નિમિત્ત છું કર્તા હર્તા તો મારો ઈશ્વર છે તે ભાવથી કર્મ કરે તેને જેમ કમળ ના પાન ને પાણી સ્પર્શ કરતુ નથી તેમ તેને પાપો સ્પર્શ કરતા નથી. સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પાપ કે પુણ્ય માથે લેતા નથી.ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારામાં ચિત્ત રાખી મારું સ્મરણ કરતા ભક્તોનો હું સંસારસાગર થી ઉદ્ધાર કરું છું. જે મનુષ્ય રાત-દિવસ, સૂતાં, જાગતા, બોલતા, ચાલતા, ઉભા રહેતા અને કર્મ કરતા સતત પરમ કૃપાળુ પરમાત્મા નું અધ્યયન, મનન કરે છે  તે પાપરહિત થઈને પરમ પિતા પરમાત્મા ને પામે છે.. 🙏 

(39)✍️પ્રાર્થના :- પ્રાર્થના એટલે પરમ કૃપાળુ પરમાત્મા નું સ્મરણ, પરંતુ એ સ્મરણમાં ભગવાન પાસે કશુંક માંગવાની વૃત્તિ નહિ. પ્રાર્થના માગણી નથી પણ ત્યાગ છે. આપણે સંકટમાં હોઈએ ત્યારે પરમાત્મા ને ખુશ કરવા અનેકવિધ પ્રયત્ન કરીએ છીએ, પણ ખરેખર  પ્રાર્થના દ્વારા મનોબળ મજબૂત બનતા  આવેલ સંકટ ને નિવારવાની શક્તિ મળે છે. પ્રાર્થના પ્રાણને સુચારુ ઉર્જા પૂરી પાડે છે પ્રાર્થના આત્મા ના દુર્ગુણો ને નાથે છે. મનની ચંચળતા ને કાબૂમા લાવે છે. પ્રાર્થના અભિમાન, અહંકાર ને નમાવે છે. પ્રાર્થના પાવનતત્ત્વ છે. પ્રાર્થનામા સતત બીજાનું ભલું કરવાની વૃત્તિ જાગે છે. પ્રાર્થનાનો સાચો અર્થ નિ :સહાય ને મદદ પહોંચાડવી, જરૂરિયાતમંદ ની પડખે ઉભા રહેવું કોઈના દુઃખ મા સહભાગી થઇ એની વેદના ને હળવી કરવામાં આવતા પ્રયત્નો જ પ્રાર્થના સ્વરૂપ છે. મનની પવિત્રતા અને નિર્દોષ ભાવ થી કરેલ પ્રાર્થનાથી પરમ કૃપાળુ પરમાત્મા ખૂબ રાજી થાય છે..... 🙏

  

(40)✍️"આદ્યશક્તિ માં અંબે નો પ્રાગટ્ય દિવસ અને પોષી પૂનમ,  શાકંભરી પૂર્ણિમા ના દિવસે માં આદ્યશક્તિ અંબે દુઃખો નો નાશ કરી જીવનમાં હર મનોરથ પૂર્ણ કરે એવી માતાજી ના ચરણોમાં અંત:કરણ થી પ્રાર્થના......." 🙏

(41)✍️ પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ એ ગીતાજી ના  સોળમાં અધ્યાય માં દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ નો ભેદ બતાવ્યો છે. સત્ય, અહિંસા, ચિત્તની નિર્મળતા, અભય, તત્ત્વજ્ઞાન, ધ્યાન માં નિષ્ઠા, ત્યાગ, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, મૃદુતા, લજ્જા, તેજ, અભિમાન નો ત્યાગ, સાત્વિક દાન ઇન્દ્રિયો પર કાબુ વગેરે સદગુણો મનુષ્ય ને દૈવી સંપત્તિ બક્ષનારા છે. જયારે દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન વગેરે દુર્ગુણો મનુષ્ય ને આસુરી સંપત્તિ  તરફ વાળે છે. દૈવી સંપત્તિ મોક્ષ( મુક્તિ ) આપે છે જયારે આસુરી સંપત્તિ બંધન માં નાખે છે. આસુરી સંપત્તિ વાળા કામનાઓ ભોગવવા માં અને વિષય સુખમાં જ આનંદ માણે છે, તેઓ કામ, ક્રોધ, લોભ ને વશ થઇ અન્યાયથી અને પાપાચાર થી ધન મેળવવાનો પ્રયત્ન કરે છે તેઓ મારું -મારું કરવામાં જ રત રહે છે. આવો મનુષ્ય સિદ્ધિ કે સુખ પામતો નથી. આથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય નિર્ણય શાસ્ત્રાનુસાર જાણીને કર્મ કરવું યોગ્ય કહ્યું છે... 🙏 

(42)✍️ " આપણું કર્મ એજ આપણું ભાગ્ય "

  જીવનમાં સૌથી કિંમતી કંઈ પણ મળ્યું હોય તો એ આપણું વર્તમાન છે એકવાર પસાર થયા પછી કોઈપણ કિંમતે પાછુ નહી આવે.  ઉંચે ઉડવા માટે પાંખો ની જરૂર પંખી ને પડે છે. માણસ તો જેટલો નમે અને નિર્દોષ ભાવ સાથે  સારા કર્મો કરે તેટલો ઉંચે જાય છે. અમુક સારા કર્મો એવા પણ હોવા જોઈએ સાહેબ.. જેની ખબર પરમ કૃપાળુ પરમાત્મા સિવાય કોઈ ને પણ ના હોય ! !  બીજા કોઈ સાથ આપે કે ના આપે પરંતુ આપણા કર્મો આપણને હંમેશા સાથ આપે જ છે પછી એ સારા હોય કે ખરાબ ! ! માત્ર મોબાઈલ થી  સેલ્ફી ખેંચી ફેસબૂક અને  સ્ટેટ્સ કે ગ્રુપ માં  મૂકવાથી માણસ નો પ્રભાવ નથી પડતો પરંતુ જેનો ભાવ અને સ્વભાવ સારો હોય એને પ્રભાવ પાડવા ની જરૂર રહેતી નથી...... 🙏  

(43)✍️ જીવનધર્મ : - પરમ કૃપાળુ પરમાત્મા આપણને જીવનમાં તટસ્થ નહી મધ્યસ્થ રહેવાનું સૂચવે છે.ભગવાન શ્રી કૃષ્ણ તટસ્થ નથી.પરંતુ મધ્યસ્થ છે.અમુક જગ્યાએ તટસ્થસ્થિતિ સારી લાગતી હશે. પરંતુ માણસે મધ્યસ્થ રહેવું જોઈએ. ભગવાન દ્વારકાધીશ ક્યારેક મેદાનની મધ્યમાં છે તો ક્યારેક મહેલની મધ્યમાં, ક્યારેક રાસ ની મધ્યમાં છે તો ક્યારેક ગીતાની મધ્યમાં છે. આ રીતે માનવીના જીવનનો રથ પણ ધર્મક્ષેત્ર અને કર્મક્ષેત્ર ની મધ્ય માં હોવો જોઈએ. એક હાથથી સંસારને પકડવો, બીજા હાથથી સંન્યાસ ને પકડવો અને બેમાંથી એક પણ દિશામાં જીવન રથ સરકી ન જાય એ માટે સમ્યક ભાવ કેળવવો એ જ સાચી મધ્યસ્થી છે... 🙏 

 (44)✍️ પરિવાર માં રામ રાજ્ય કઈ રીતે ? 

        પરિવાર પંચદેવ છે.પરિવારમાં જેટલાં સભ્યો હોય અને તેમાં જેનામાં સૌથી વધારે વિવેક હોય તેને ગણેશ માનો. જેનામાં વિવેક ની પ્રધાનતા હોય તેને પ્રથમ પૂજો. ભલેને તે તમારાથી નાના હોય.ભગવાનના લક્ષણ માતા માં ઉતર્યો છે. પરિવારમાં એક વ્યક્તિ ખૂબ શ્રદ્ધાળુ છે એવી શ્રદ્ધા માં, બહેન કે પુત્રી માં હોય તો તેને દુર્ગા માની ને આદર આપો. પરિવારમાં એક  વૃદ્ધ નાના કે મોટા જે પણ હોય, તેમના વિચાર માં જો કલ્યાણ ની ભાવના હોય અને પોતે નુકસાન વેઠી ને કુટુંબ નું કલ્યાણ કરતા હોય તો તેને સાક્ષાત શિવ સમજો. તેમનો આદર કરો. આ રીતે પરિવાર માં પંચ દેવ ની પૂજા કરો. આ બધાથી મુશ્કેલ છે. દ્વારકાની યાત્રા સરળ છે પણ પરિવાર ની યાત્રા ખૂબ કઠિન છે. પરિવાર માં દેવતાઓના દર્શન કરવા કઠિન છે અને જ્યાં સુધી તે નહી દેખાય ત્યાં સુધી પરમ કૃપાળુ પરમાત્મા ની કૃપા મેળવવી મુશ્કેલ છે. ઘરમાં ભગવાન નું મંદિર તો હોવું જ જોઈએ પણ પરિવારમાં જે સજીવ દેવતાં ઘરમાં છે તેને પહેલા પૂજો એટલે કે આદર આપો માનથી જુઓ. આ રીતે પરિવાર માં દુઃખ વહેંચવાની હરીફાઈ  ચાલતી હોય ત્યાં  પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન  શ્રી દ્વારકાધીશ ખુદ સુખ ની લાણી કરવા આવે છે. અને સદા સુખ વહેતુ રહે છે..... 🙏 

 (45)✍️ " સુમતિ અપાવે દુઃખથી મુક્તિ "

 માણસ હોય કે પશુ- પક્ષી હોય,  દરેક જીવને સુખી થવું ગમે છે. દરેક માણસ પોતાના ધર્મ સ્થાનમાં, ધર્મ ગુરુ પાસે કે વડીલો પાસે થી સુખ ના આશીર્વાદ ઈચ્છે છે. માનવી ના હૃદય માંથી પ્રેમ જન્મે છે અને મગજ માંથી બુદ્ધિ જન્મે છે પ્રેમ હંમેશા સારો જ હોય છે. જયારે બુદ્ધિ બે પ્રકાર ની હોય છે. એક સદબુદ્ધિ જયારે બીજી કુબુદ્ધિ જેને  સુમતિ અને કુમતિ પણ કહે છે. જ્યાં સુમતિ હશે ત્યાં સુખ હશે અને જ્યાં કુમતિ હશે ત્યાં દુઃખ હશે. તો સુમતિ મેળવવા માટે પરમ કૃપાળુ પરમાત્મા એ આપણને હરીનામ, સત્સંગ, ભગવત કથા, સુસાહિત્યસંગ, અને ઈશકૃપા આ  પાંચ રસ્તા બતાવ્યા છે આ રસ્તે ચાલવાથી મનુષ્ય સુખ ને પામે છે.અને જીવને શિવ સુધી લઇ જાય છે... 🙏

 

 

 

  

    

 

   

 

 

1 ટિપ્પણી:

ગણિત ધોરણ-1 થી 4 માટે ટેસ્ટ પેપર

Latest Post